અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ ખોટકાઈ: હજારો ફ્લાઈટ્સ રદ્દ, લાખો મુસાફરો રઝળ્યા
ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ થતાં 8 હજારથી વધુ ફ્લાઈટ્સ અટવાઈ અમેરિકાના વિવિધ એરપોર્ટ્સ પર 15 લાખથી વધુ મુસાફરો ફસાયા ફ્લાઈટ્સ રદ્દ થવા પર મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે 9/11 અને 2003માં પણ ફ્લાઈટ્સ અટવાઈ હતી
અમેરિકા વિશ્વનું સૌથી મોટુ એરપોર્ટ નેટવર્ક છે. અમેરિકાના
ઉડ્ડયન ક્ષેત્રમાં એક સંકટ સર્જાયુ છે. એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોમાં
ટેલિકમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે ફેડરલ એવિએશન
એડમિનિસ્ટ્રેશન દ્વારા તાત્કાલિક અસરથી દેશભરની તમામ ઉડાનો અટકાવીને ફ્લાઈટ્સને
ગ્રાઉન્ડ સ્ટોપ કરી દેવાની ફરજ પડી હતી. ટેલિકમ્યુનિકેશન સેવામાં ગંભીર ખામીના
કારણે સમગ્ર દેશમાં મોટી હવાઈ કટોકટી સર્જાઈ હતી. ચાર કલાકથી વધુ સમય સુધી હવાઈ
સેવાઓ ખોટકાઈ હતી, જેના કારણે લાખો મુસાફરો રઝળી પડ્યા હતા.
અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ આ બીજી
વખત આવો બનાવ છે કે સમગ્ર દેશમાં એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફ્લાઈટ્સને ગ્રાઉન્ડ
સ્ટોપ કરવી પડી હોય. 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા બાદ 2003માં FAA ની મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ખામીના કારણે ફ્લાઈટ્સને
ગ્રાઉન્ડ સ્ટોપ કરવાની ફરજ પડી હતી. આ નિર્ણયના કારણે અમેરિકાના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ
પર લાખો મુસાફરો અટવાઈ ગયા હતા. મુસાફરોમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
FAA દ્વારા સત્તાવાર નોટિફિકેશન
બહાર પાડી જાણકારી અપાઈ
22 એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સંચાર સંબંધિત સમસ્યા
સર્જવાથી આ અસાધારણ પગલુ લેવાની ફરજ પડી હતી. પરિવહન સચિવ સીન ડફીએ જણાવ્યુ હતુ કે
ગ્રાઉન્ડ સ્ટોપના નિયમ હેઠળ જમીન પર રહેલા વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી નહોતી,
જ્યારે હવામાં રહેલા વિમાનોને સુરક્ષિત લેન્ડિંગની છૂટ અપાઈ હતી. ફ્લાયઅવેરના
આંકડા પ્રમાણે આ મુજબની ટેકનિકલ ખામીના કારણે 11 હજારથી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ
હતી અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. FAA દ્વારા આ માટે
સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે અસાધારણ સંજોગો
અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પગલુ ભરવામાં આવ્યુ છે. આ આદેશ બાદ
કોઈ પણ નવી ફ્લાઈટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. માત્ર જે વિમાનો
અગાઉથી જ હવામાં ઉડાન ભરી રહ્યા હતા તેમને જ સુરક્ષિત લેન્ડિંગની પરવાનગી આપવામાં
આવી હતી.
સાયબર હુમલાની આશંકા નહી
અમેરિકી ગૃહ સુરક્ષા સચિવ માર્કવેન મુલન અને રાષ્ટ્રપતિ
ડૉનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યુ હતુ કે આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલો કે
માઈક્રોસોફ્ટની સેવામાં ખામી હોવાના કોઈ સંકેત નથી. હવાઈ સેવાઓ ખોટકાતા તેની અસર
આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ જોવા મળી હતી. કેનેડાના એર કેનેડાએ અમેરિકા આવતી-જતી પોતાની તમામ ઉડાનો રદ કરી દીધી હતી,
જ્યારે કેનેડાના ટોરેન્ટો પિયર્સન એરપોર્ટ પર
પણ અમેરિકન ઉડાનો પ્રભાવિત થઈ હતી. બીજી તરફ, ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયા દ્વારા પણ સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ X પર ટ્રાવેલ
એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ ભારત અને અમેરિકા વચ્ચેની ફ્લાઇટ્સ
પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરી મુસાફરોને એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટનું સ્ટેટ્સ
ચકાસી લેવા અપીલ કરી છે.
સિસ્ટમ અપડેટના
ફેઈલ્યોરના કારણે ખામીનું અનુમાન
અમેરિકામાં લગભગ 4 કલાક બાદ ફ્લાઇટ્સ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલીક એરલાઇન્સે પોતાની સેવાઓ ફરી શરૂ કરી દીધી છે, જ્યારે કેટલીકએ કહ્યું છે કે ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની અસર લાંબા સમય સુધી રહી શકે છે. અમેરિકામાં હવાઈ સેવા ઠપ્પ થવા પાછળ ટેકનિકલ અપડેટની નિષ્ફળતા જવાબદાર હોવાનું મનાઈ રહ્યુ છે. એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોને એકબીજા સાથે જોડતા નેટવર્કનું સંચાલન કરતી કંપની 'L3Harris'ની સિસ્ટમમાં એક નવું અપડેટ કરવામાં આવ્યું હતું. આ અપડેટને કારણે FAAની મુખ્ય ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ આપમેળે રીબૂટ થવા માટે મજબૂર બની હતી, પરંતુ જેવી સિસ્ટમ ફરીથી ચાલુ થઈ કે તરત જ ક્રેશ થઈ ગઈ હતી. પરિણામે સમગ્ર દેશનું હવાઈ નેટવર્ક ખોરવાઈ ગયું હતું.