અમેરિકામાં માઈક્રોસોફ્ટ, એર ઈમરજન્સી બાદ હવે બેન્કિંગ સેક્ટર પણ પ્રભાવિત
અમેરિકામાં જેપીમોર્ગન સહિત 8 મુખ્ય અમેરિકન બેન્કોની ઓનલાઈન સેવાઓ ખોટકાઈ, સોફ્ટવેર બગના કારણે સેવાઓ થઈ પ્રભાવિત, યુઝરને બેલેન્સ ઉડી જવા અને ટ્રાન્સેક્શન ફેઈલ થવા જેવી મુશ્કેલીઓ, લાખો અમેરિકનો મુકાયા મુશ્કેલીમાં
વિશ્વની મહાસત્તા અમેરિકામાં એક સપ્તાહની અંદર જ આફતોનો
વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ આવીને ઉભી રહી છે. માઈક્રોસોફ્ટ, એર ઈમરજન્સી બાદ
હવે બેન્કિંગ સેક્ટર પ્રભાવિત થયુ છે. અમેરિકામાં એક બાદ એક વિવિધ સેક્ટરોમાં આવી
પડેલી મુશ્કેલીના કારણે દેશના ડિજિટલ અને પાયારૂપી ઢાંચાની નબળાઈઓને ઉજાગર કરી
દીધુ છે. જેની અસર બેન્કિંગ સિસ્ટમ, હવાઈ યાત્રા, એર ટ્રાફિક કંટ્રોલ અને ઈ-મેઈલ
સેવાઓ પર પડી છે. માઈક્રોસોફ્ટમાં ખામીના કારણે આઉટલુક, ટીમ્સ, કોપાયલટથી લઈને
જેપી મોર્ગન ચેસ અને યુનાઈટેડ એરલાઈન્સ સુધીની તમામ સેવાઓ પર તેની અસર પડી.
અમેરિકામાં સતત ટેકનિકલ ગ્લિચથી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો
સતત સામે આવી રહેલ ટેક્નિકલ ગ્લિચના કારણે સમગ્ર વિશ્વ
અચંબિત છે અને સૌ કોઈના મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે શું કોઈ મોટો સાયબર અટેક
કરવામાં આવ્યો છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ ખામી છે ? તેમ છતાં પ્રાથમિક તપાસ દરમિયાન તો કોઈ પ્રકારના સાયબર અટેક
વિશેના કોઈ પુરાવા મળ્યા નથી.
જેપી મોર્ગન ચેસ સહિત 8 મુખ્ય બેન્કની ડિજિટલ સેવા પ્રભાવિત
અમેરિકામાં આ સપ્તાહની શરૂઆતમાં જ બેન્કિંગ સિસ્ટમ ઠપ્પ થઈ
ગઈ હતી. ટેકનિકલ સમસ્યાના કારણે લાખો યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. દેશની મોટી બેન્ક
જેવી કે જેપી મોર્ગન અને વેલ્સ ફાર્ગોના કસ્ટમરને રોજિંદા નાણકીય વ્યવહારમાં
મુશ્કેલી પડી રહી હતી, સૌથી વધુ અસર તો જેપી મોર્ગન ચેસના કસ્ટમર પર પડી હતી.
બેન્કિંગ સિસ્ટમમાં સોફ્ટવેરમાં બગ આવી જતા આ પ્રકારની ટેકનિકલ ગ્લિચ ઉભી થઈ હતી,
જેના કારણે નાણાકીય વ્યવહારોમાં દિવસ દરમિયાન મુશ્કેલી આવતી રહી. બેન્કિંગ આઉટેજ
પર નજર રાખવા માટે વેબસાઈટ ડાઉનડિરેક્ટર પર ચેસ બેન્કને લઈને 5 હજારથી વધુ ફરિયાદો
મળી હતી. ત્યારબાદ બેન્કે સ્પષ્ટતા પણ કરી હતી કે આ સમસ્યા તેના ઓન પ્રિમાઈસિસ
હાર્ડવેર સિસ્ટમમાં સોફ્ટવેર બગના કારણે થઈ હતી. બેન્કે જાણકારી આપી હતી કે સાયબર
અટેકના પુરાવા મળ્યા નથી.
યુનાઈટેડ એરલાઈન્સની સિસ્ટમમાં પણ ખામી
અમેરિકી યુનાઈટેડ એરલાઈન્સની સિસ્ટમમાં પણ ખામી ઉભી થતા
હજારો ઉડાનો રદ્દ કરવાની ફરજ પડી હતી. હવામાં ઉડી રહેલા વિમાનો પર કોઈ અસર પડવા
દેવામાં આવી ન હતી. પાયલટ સંગઠને આપેલ મત પ્રમાણે વેઈટ બેલેન્સ કરતી સિસ્ટમમાં
ખામી ઉભી થઈ હતી. આ સિસ્ટમ વિમાનમાં મુસાફરો, સામાન અને ઈંધણના વજનનો હિસાબ રાખવા
માટે મહત્વની હોય છે. એરલાઈન્સે એ પણ સ્પષ્ટ કર્યુ કે આ ટેકનિકલ ખામી પાછળ સાયબર
સુરક્ષાને લઈને કોઈ સમસ્યા ઉભી થઈ હોય તેવો સંકેત નથી.
એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં રાઉટરમાં ખરાબીના કારણે હજારો ફ્લાઈટ્સ રદ્દ
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ટેકનિકલ ગ્લિચના
કારણે સતત બે દિવસ સુધી હજારો ફ્લાઈટને ગ્રાઉન્ડ સ્ટોપ કરી દીધી હતી, એર ટ્રાફિક
કંટ્રોલ સિસ્ટમમાં રાઉટર ખરાબ થઈ જતા ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ થઈ ગઈ હતી અને
જેના કારણે એર ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવહન મંત્રીએ મુસાફરોને પડી
રહેલી અગવડ માટે માફી પણ માંગી હતી અને ખામી શા કારણે થઈ હતી તે અંગેના કારણની પણ
સ્પષ્ટતા કરી હતી.
માઈક્રોસોફ્ટની સેવા પ્રભાવિત થતા 70 દેશોમાં થઈ હતી અસર
આ ઘટનાના થોડા દિવસ પહેલા માઈક્રોસોફ્ટની સેવાઓ પણ પ્રભાવિત
થઈ હતી, જેની અસર વિશ્વના 70 દેશો પર પણ જોવા મળી, ભારતમાં પણ માઈક્રોસોફ્ટ
આઉટેજના કારણે કેટલીક ફ્લાઈટ્સ રદ્દ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. માઈક્રોસોફ્ટ
સિસ્ટમ આઉટેજના કારણે વિશ્વભરના કેટલાય દેશોમાં હોસ્પિટલ, બેન્કિંગ, સરકારી
સંસ્થાઓ અને અદાલતોની કામગીરી ખોરંભે ચઢી ગઈ હતી.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખામીએ વિશ્વના ટેકનિકલ મહારથીઓને ચિંતામાં મુકી દીધા
અમેરિકામાં એક બાદ એક ઉભી થયેલી ટેકનિકલ ખામીઓએ ડિજિટલ
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી ખામીઓને બહાર લાવી દીધી છે. દરેક ઘટનાના અલગ અલગ કારણો
હતા, ક્યાંક સોફ્ટવેરમાં બગ તો ક્યાંક કેલક્યુલેશન સિસ્ટમમાં ખામી તો ક્યાંક રાઉટર
બગડ્યા હતા. માઈક્રોસોફ્ટમાં પણ બગની ખામી સામે આવી હતી. આ ઘટનાઓમાં સાયબર અટેક
અને ટેક્નિકલ ગ્લિચ વચ્ચેનું અંતર સમજવુ અત્યંત જરૂરી છે. સાયબર વિમા પોલિસી
હેકિંગ અને અન્ય ગેરકાયદે ગતિવિધિઓથી થતા નુકસાનને કવર કરે છે. સિસ્ટમમાં ટેક્નિકલ
ગ્લિચ ઉભી થાય તો તેના કારણે થતી સમસ્યાઓ પર વિમા પોલિસીના નિયમો અલગ હોય છે.