ડૉનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમિર પુતિન એકમંચ પર, ઐતિહાસિક બેઠક પર દુનિયાની નજર
ભારતીય સમય પ્રમાણે બપોરે 12 વાગ્યાથી બેઠક શરૂ થશે, એક સમયે શેનઝેન માછીમારોનું ગામ હતુ, શેનઝેનમાં બેઠકના આયોજનને લઈ ચીને પોતાની તાકાત દુનિયાને બતાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન આજે પહેલીવાર એકસાથે બેઠક કરશે. આ ત્રિપક્ષીય બેઠક ચીનના
શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહયોગસમિટ દરમિયાન થશે. બેઠકમાં ઈરાન
યુદ્ધ, યુક્રેન યુદ્ધ સહિતના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં બુધવારે ત્રણેય
નેતાઓ APEC સમિટના સ્વાગત સમારંભમાં પણ
એકસાથે જોવા મળ્યા હતા. આ બેઠકની તુલના 1945ના યાલ્ટા
સંમેલન સાથે કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષ પહેલાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, બ્રિટનના
વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન ક્રિમિયાના યાલ્ટામાં
મળ્યા હતા. ભારતીય સમય પ્રમાણે બપોરે 12 વાગ્યે આ બેઠક યોજાશે.
અમેરિકા-ચીનના પરસ્પર હિતો અંગે બેઠકમાં ચર્ચા સંભવ
અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વેપારને લઈને તણાવ છે.
બંને દેશો એકબીજાના માલસામાન પર ભારે ટેક્સ લાદી ચૂક્યા છે. આ ઉપરાંત, ચીનથી અમેરિકામાં આવતા માલસામાન, રેર અર્થ અને ટેક્નોલોજીને લઈને પણ વિવાદ રહ્યો છે. ટ્રમ્પ
ઈચ્છે છે કે ચીન અમેરિકા પાસેથી વધુ માલસામાન ખરીદે અને બંને દેશો વચ્ચેના વેપાર
કરારની શરતોનું પાલન કરે. બીજી તરફ, ચીન અમેરિકા
દ્વારા લાદવામાં આવેલા ટેરિફમાં રાહત ઈચ્છે છે. આવી સ્થિતિમાં બેઠકમાં બંને દેશો
વચ્ચેના વેપારી સંબંધો સુધારવા અંગે ચર્ચા થઈ શકે છે.
રશિયાની હાજરી પુતિન માટે મોટી રાજકીય જીત
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી અમેરિકા અને યુરોપિયન દેશોએ
રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. પશ્ચિમી દેશોએ પુતિનથી અંતર પણ જાળવી લીધું
હતું. આવી સ્થિતિમાં ટ્રમ્પ અને શી જિનપિંગ સાથે એક જ મંચ પર પુતિનની હાજરી રશિયા
માટે મોટી રાજદ્વારી જીત હશે. તેનાથી દુનિયાને સંદેશ જશે કે રશિયા હજુ પણ વૈશ્વિક
રાજકારણમાં મોટી તાકાત છે અને અમેરિકા તેની સાથે વાતચીત કરવા તૈયાર છે.
ઈરાન યુદ્ધ પર ચર્ચાની શક્યતા
અમેરિકા અને ઇઝરાયલ તરફથી 28 ફેબ્રુઆરીએ
ઈરાન પર હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત્ છે. આ
યુદ્ધની અસર વિશ્વના તેલ વેપાર પર પણ પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ અને
ગેસની સપ્લાય પ્રભાવિત થઈ છે. ચીન પોતાની જરૂરિયાતનું ઘણું તેલ આ માર્ગેથી મંગાવે
છે. બીજી તરફ, તેલની કિંમતો વધવાથી
રશિયાને આર્થિક ફાયદો થયો છે. આવી સ્થિતિમાં ત્રણેય નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા, વિસ્તારમાં તણાવ ઘટાડવા અને તેલની સપ્લાય સામાન્ય કરવા અંગે
ચર્ચા કરી શકે છે.
પરમાણુ કાર્યક્રમો મુદ્દે ત્રણે દેશ વચ્ચે થઈ શકે છે વિચાર-વિમર્શ
ત્રણેય દેશો પાસે દુનિયામાં સૌથી વધુ પરમાણુ હથિયારો છે.
આવી સ્થિતિમાં બેઠકમાં તેમની સંખ્યા ઘટાડવા અને તેમના ઉપયોગને રોકવા અંગે ચર્ચા થઈ
શકે છે. અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોને મર્યાદિત કરતી ‘ન્યૂ સ્ટાર્ટ
સંધિ’ ફેબ્રુઆરી 2026માં સમાપ્ત થઈ
ચૂકી છે. ત્યારબાદ બંને દેશોના પરમાણુ હથિયારો પર લાગેલી મર્યાદાઓ હટી ગઈ છે. ટ્રમ્પ
ઇચ્છે છે કે, હવે એક નવી સંધિ બને, જેમાં ચીનને પણ સામેલ કરવામાં આવે. જોકે, રોયટર્સના જણાવ્યા મુજબ ચીન હાલમાં આ વાટાઘાટોમાં સામેલ થવા
તૈયાર નથી. તેનું કહેવું છે કે, અમેરિકા અને
રશિયા પાસે તેના કરતાં ઘણી વધારે સંખ્યામાં પરમાણુ હથિયારો છે.
બેઠકની ભારત પર અસરો
ટ્રમ્પ-શી જિનપિંગ-પુતિનની વાતચીતથી દુનિયામાં સૈન્ય
શક્તિનું સંતુલન બદલાવા પર અસર પડી શકે છે. ભારત માટે આ બેઠક એટલા માટે પણ
મહત્વપૂર્ણ છે કારણ કે તે સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા અને જરૂરી ટેક્નોલોજી માટે
ચીન પર નિર્ભર છે. 2021થી 2025 વચ્ચે ભારતે જેટલાં હથિયારો ખરીદ્યાં, તેમાં 40% રશિયાથી
આવ્યાં. બીજી તરફ, ભારત પોતાની
જરૂરિયાતના લગભગ 85થી 90% રેર અર્થ મેગ્નેટ ચીન પાસેથી ખરીદે છે. આવી સ્થિતિમાં
ત્રણેય દેશો વચ્ચે કોઈ મોટા કરાર અથવા તણાવની અસર ભારતના સંરક્ષણ અને જરૂરી
સામાનની સપ્લાય પર પડી શકે છે