ઉત્તરાખંડના પિથોરાગઢમાં જૌલજીબી મેળામાં રાજકીય હંગામો
મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ કોંગ્રસના ધારાસભ્યને સંબોધન ન કરવા દેતા વિવાદ, મંચ પરથી જ માઈક અને ખુરશીઓ ફેંકી, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક રાજકીય ડ્રામાએ નીચુ જોવા પણું
કરી દીધુ છે. પિથોરાગઢ જિલ્લામાં ભારત અને નેપાળની સરહદે આયોજિત ઐતિહાસિક જૌલજીબી
મેળા દરમિયાન ભારે રાજકીય હંગામો થયો છે. આ જૌલજીબી મેળો તેની વર્ષો જૂની
સાંસ્કૃતિક પરંપરા કે વેપારના કારણે ચર્ચાનો વિષય નથી બન્યો, પરંતુ મેળા દરમિયાન
થયેલા રાજકીય હંગામાના કારણે સમગ્ર ઉત્તરાખંડમાં રાજકીય મેળો ચર્ચાનું કેન્દ્ર
બન્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હરિશ સિંહ ધામીનું ઉગ્ર અને વિચિત્ર વર્તન હાસ્યાસ્પદ
અને શરમજનક રહ્યુ હતુ. ધારાસભ્યએ મેળામાં ગુસ્સામાં માઈક ફેંક્યા અને ખુરશીઓ પણ
તોડી નાંખી, ધારાસભ્યની આ વિચિત્ર હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ
રહ્યો છે.
સંબોધન કરવા દેવામાં ન આવતા ગુસ્સો આવ્યો ધારાસભ્ય શ્રીને
મળતી વિગતો પ્રમાણે, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના
કાર્યક્રમ બાદ આ ઘટના બની છે. મુખ્યમંત્રી ધામીએ જૌલજીબી મેળાનું ઉદ્ઘાટન કર્યુ
અને સંબોધન કરીને તરત રવાના જ થઈ રહ્યા હતા, તે સમયે ધારાસભ્ય હરિશ સિંહ ધામી
પોતાના સમર્થકો સાથે મંચ પર ધસી આવ્યા હતા અને તેમનો આરોપ હતો કે મેળા સમિતિના
અધ્યક્ષ હોવા છતાં તેમનું યોગ્ય માન સન્માન નથી જળવાયુ કે તેમને સંબોધન કરવાનો પણ
મોકો આપવામાં નથી આવ્યો. ધારાસભ્યએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમનું માઈક બંધ
કરી દેવામાં આવ્યુ હતુ. આ વાતથી ધારાસભ્ય ભડકી ગયા હતા અને આવેશમાં આવી જઈને ધમાલ
મચાવી હતી. આપો ખોઈને મંચ પર માઈક જોરથી પછાડ્યુ અને ખુરશીઓ પણ તોડી નાંખી અને
સાઉન્ડ સ્ટાફ સાથે પણ ધારાસભ્યએ ગેરવર્તણુંક કરી હતી.
ધારાસભ્ય હરિશ સિંહ ધામીએ મુખ્યમંત્રીને કાયર કહ્યા
આ રાજકીય ડ્રામા ચાલી રહ્યો હતો તે સમયે ધારાસભ્ય આક્રોશમાં
મુખ્યમંત્રીને પણ જેમ ફાવે તેમ બોલી રહ્યા હતા. ધારાસભ્ય હરિશ સિંહ ધામીએ
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને કાયર કહ્યા અને તેમની સામે આકરા પ્રહારો કર્યા. મુખ્યમંત્રીને
ખુલ્લો પડકાર પણ આપી દીધો ધારાસભ્યએ તો, હરિશ સિંહ ધામીએ પડકાર ફેંક્યો કે,‘જો હિંમત હોય
તો મારી સામે ધારચુલા બેઠક પરથી ચૂંટણી લડીને બતાવો.’ બીજી તરફ શાસક પક્ષ ભાજપને ધારાસભ્યના આ વર્તન બદલ આકરા
શબ્દોમાં વખોડી પલટવાર કરવાનો મોકો મળી ગયો. ભાજપે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય
હરિશ સિંહ ધામી પોતાના જ મત વિસ્તારમાં વિકાસના જોઈએ તેવા યોગ્ય કામો કરી શક્યા નથી
અને ધારાસભ્યને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે
પરાજયના ડરથી ધારાસભ્ય આ પ્રકારનું નાટક કરી રહ્યા છે.